Welcome to Our Website!

ગણદેવીનો ઈતિહાસ

ગણદેવી નામ ધાર્મિક પ્રભાવ અને સંસ્કારવાળુ છે. તવારીખે નવવાળ ની નોંધ મુજબ એનુ મૂળ નામ સંસ્કૃત શબ્દ " ગુણદીપીકા " હતું. કોઈપણ શુધ્ધ નામ કાળક્રમે લોકજીભે કે ગામઠી ભાષામાં બગડતું રહે છે. આમ્ ગુણદીપીકાનું અપભ્રંશ થઈ નામ ગણદેવી પડયું.
            બીજી એક કિવદંતિ મુજબ- નવસારીના પીર સૈયદ સાદાત ઉર્ફે નુર સતગરના ચમત્કારિક જીવનથી પ્રભાવિત થઈ જંબુકિયાના રાજા સુરચન્દ જે નવસારી રહેતા હતા. તેમણે પોતાની દીકરી પાલણદેના લગ્ન સૈયદ સાદત સાથે કરાવેલા આ લગ્ન પ્રસંગે નવસારીથી ગણદેવી સુધી ૧૨ ગાવનો લાંબો મંડપ બાંધવામાં આવેલો જેનો છેડો ગણદેવીમાં જતો.અને તે જોવા આવનારા બોલતા હતાં " ગંદેવી " ( ગુંદઈ એટલે શોરની જોવા જઈએ )અને તે પરથી ગણદેવી નામ પડ્યું.
            ગણદેવી એ નવસારી જેટલું જ જુનું મહત્વનું ધામ છે,ઘણા એને પવિત્ર સ્થળ ગુણદેવીનું ધામ માનતા હતા.ને નારી શક્તિ ગુણદેવીના નામ પરથી ગણદેવીનું નામ પડ્યું.
ગણદેવીમાં ધાર્મિક સ્થળોનો મેળો અને વિવિધ ધર્મની વિવિધ શાખા પ્રશાખા સંપ્રદાયોના અવશેષો અહી આજે પણ જોવા મળે છે. હિન્દુધર્મના વિવિધ પંથો જેવાંકે વૈષ્ણવ,કબીરપંથી, રાધા વલ્લભ, જૈન, પારસીઓની પણ નોંધપાત્ર વસ્તી હતી.મુસલમાનો અને તેમાં ખાસ કરીને વણકર પ્રજા અહીં વસી હતી,ગણદેવી કસબાનો મુખ્ય ધંધો ખેતીનો હતો,પછી બીજો નંબર હુન્નર અને કળાનો આવે છે, આજથી ૨૫૦ વર્ષ પહેલાં ગણદેવીનુ વણાટકામ ઘણાં ઉચા પ્રકારનું હોવાથી આખા દેશમાં વખણાતું હતું. આ ધંધાનો વિકાસ મુખ્યત્વે ક્ષત્રિય પ્રજાએ કરેલ છે. સાથે ભાવસાર કોમની પ્રજાએ રંગકામ, છાપકામને ઉત્તેજના આપેલે છે. વિલાયત માલ મોકલવા માટે સુરતની કોઠીવાળા માલ ખરીદવા અહીં આવતા હતા.એક અંગ્રેજ ડોકટર હાઉ વણાટકામ શીખવા માટે ગણદેવી આવેલા, આ ઉપરાંત કાપડ વણવાનું રંગ કરવાનું અને નકસી કરવાના ઉદ્યોગને લીધે ગણદેવીની ખ્યાતિ પરદેશ સુધી હતી.
 અંબિકા, કાવેરી અને વેગણીયા નદીના તટ પર વસેલું ગણદેવી ખેતીવાડીની ફળદ્રુપ જમીનથી છવાયેલ સુંદર નગર છે.દરિયાથી ૧૫ કિ.મિ.જ દુર હોવાથી ગણદેવીનો આ વિસ્તાર કાંપવાળી જમીનનો છે.હવામાન ખુશનુમા છે.અહીં કેળા, ફણસ, અનાનાસ, પીવર, ડાંગર, શેરડી, કેરી, ચીકુ વિગેરે મુખ્ય પેદાશ છે.ગણદેવી સાવ નજીકનું બજાર બિલિમોરા ગણાતું. ત્યાં બંદર હોવાથી કાળાઆંબા બિલિમોરા રેલ્વેલાઈનથી છેક બંદર સુધી પહોંચતી હતી.ગણદેવી પણ રેલ્વેથી જોડાયેલ હોવાથી ધંધાકીય રીતે ઘણી જ સગવડતા હતી.
સંવત ૧૮૫૭ થી ૧૮૮૭ ના ગાળામાં ગણદેવી મુકામે ગાયકવાડીશ્રી.હરબાજી ખંડરાવે અહીં ધંધાની પેઢી નાંખી હતી.અહીં શ્રીમંત સરકાર સયાજીરાવ ત્રીજાના વખતમાં ગણદેવીમાં દવાખાનું શરુ થયેલ હતું.સને ૧૮૬૪માં બેરોનેર સર કાવસજી જહાંગીરના સખાવતી દાનથી પ્રથમ હાઈસ્કુલ બની હતી, અને આજ સમયે કાવસજી ગઝદર લાયબ્રેરીની પણ શરુઆત થયેલ હતી.